આજના બર્થ ડે સર્જક *દુલા ભાયા ‘કાગ’*

(લેખન સંકલન અને સ્કેચ ‘શિલ્પી’ બુરેઠા કચ્છ) *’રખેવાળ’દૈનિકપત્ર, 25/11/2022* **

હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો એ સમયમાં ગામમાં એક સાધુજી આવેલા તેમના મુખે “હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. સાંભળતા જ મનમાં થયેલું કે આતો અમારે ભણવામાં આવે છે. આ સાધુજીતો ભણ્યા નહીં હોય તોય તેમને આ કવિતા કેવી રીતે આવડે ? પણ એ સમયે ખબર નહોતી કે એના રચયિતા ‘કાગ’બાપુ આબાલવૃદ્ધ દરેકના હૈયે વસેલા છે. ‘ભગતબાપુ’ના હુલામણા નામે ઓળખાતા કવિ દુલા ભાયા કાગ ગુજરાત જ નહીં પરંતુ ભારતીય લોકસંસ્કૃતિનું એક એવું વ્યક્તિત્વ છે કે જેની તેમનો પરિચય આપવાનું મારુ તે શું ગજુ હોય? તેમનો પરિચય હું શું આપી શકું? તેમનો પરિચય આપતા આ શબ્દો કદાચ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના છે. “પાણકોરનું ધોતિયું,પાણકોરનો ડગલો,પાણકોરનો ફેંટો,ગળે એક પછેડી, કાળી ઘાટી લાંબી દાઢી અને માથા પર કાળા કેશનો ચોટલો. પાણીદાર છતાં પ્રશાંત બે આંખો, આજે યાદ કરું છું ત્યારે લાગે છે કે દીદારમાં અભિમાન, કડકાઈ અને વધુ પડતી ટાઢાસ પણ નિહાળેલી, કંઈક તો બાવા સાધુ જેવા ભાસેલ. રાત્રે એમણે સ્તુતિના ઝડઝમકિયા છંદો ગાયા ત્યારે એમના ઘેરા, ગંભીરા, મંદિર-ઘુમ્મટના રણકાર શા કંઠનો પરિચય થયો.છંદોની જડબાતોડ શબ્દ ગૂંથણીને આસાનીથી રમાડતી એમની જીભની શક્તિ દેખી. આ દુલાભાઈ કોઈ રાજ દરબારી કવિ નથી પણ ઘરધણી ખેડૂત છે,અજાચી ચારણ છે અને નિજાનંદ કાજે કાવ્યો રચે છે. એમની કવિતા નવા યુગના રંગોમાં ઝબોળાતી હોવા છતાંય પોતાનું ઘટ્ટ કઢાયેલું કાવ્યતત્વ પાતળું કરવા દેતી નથી. એના ગીતોનો શબ્દમરોડ વધુ ને વધુ ચોટદાર સંગીતમય અને દવતો બન્યો છે. સોરઠા-દુહાઓ હરકોઈ પ્રભાતે, પહોર બપોરે અથવા ભાંગતી રાતે મરશિયારંગી ઢાળે નાખીને ભગતજી જ્યારે ગાતા હોય ત્યારે એમના કંઠમાં એકતારો મંડાય જાય છે. એ દુહાના ગાન ઊર્મિઓના કપાટો ખોલાવે છે. આત્માને જો કોઈ વાચા હોય તો તે આવી દુહા -ગીતની ટપકતી વાચા હજો.” દુલા ભાયા કાગ એટલે લોકસાહિત્યની કંઠ પરંપરાને સંગ્રહસ્થ પરંપરામાં ગૂંથનાર લોકપ્રિય લોકકવિ. ગુજરાત જ નહીં,ભારત જ નહીં, પરંતુ ભારતની બહાર પણ વિદેશમાં વસતા દરેક ગુજરાતી જનહ્યદયમાં સ્થાપિત થયેલ પ્રખ્યાત ગુજરાતી કવિ, ગીતકાર, લેખક કે જેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આપણા લોકલાડીલા લોકગાયક શ્રી અરવિંદ બારોટ ભગતબાપુની વાણીને “ગાયના દૂધ જેવી નરવી વાણી” કહીને પોંખતાં કહે છે કે, “સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. સાત્વિક કાવ્યવર્ષાથી ગુજરાત ભીંજાતું રહ્યું છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે.નક્કર અનુભવવાણી છે.ધરતીનું ધાવણ પામીને ઉછરેલી વાણી છે.એટલે જ એમાં સચ્ચાઈનો રણકો છે. કોરી કલ્પનાઓ અને શબ્દોના સાથિયા નથી, પણ જિવાતા જીવતરનું ગાન છે.એટલે જ ગામડું હોય કે શહેર, ભણેલ હોય કે અભણ, માલેતુજાર હોય કે મજૂર-દરેકને સ્પર્શે છે.” દુલા ભાયા કાગનો જન્મ 25/11/1902ના રોજ સૌરાષ્ટ્રના કાગધામ (મજાદર) ખાતે થયો હતો. તેઓ ચારણ હતા. કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી બિરાજે છે, એમ તેમણે પણ ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી. તેમણે માત્ર 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને પછી તેઓ પોતના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા. જ્ઞાન,ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગ્રંથમાળા કાગવાણીમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે.જેના આઠ ભાગ આવ્યા છે, જેમાં ભજનો, રામાયણ, મહાભારતના પ્રસંગો અને ગાંધીજીની દર્શનશાસ્ત્ર તથા વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે. જો’કાગવાણી’-ભાગ -1(1935), ભાગ -2 (1938),ભાગ3 (1950), ભાગ-4 (1956),ભાગ 5(1958), ભાગ-6 (1958), ભાગ-7(1964) ‘વિનોબાબાવની’ (195. ‘તો ઘર જાશે, જાશે ધરમ(1959) ‘શક્તિચાલીસા’ (1960)’ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’, ‘શામળદાસ બાવની’ વગેરે છે ‘કાગ’બાપુનું અવસાન 22ફેબ્રુઆરી 1977ના દિવસે 74 વર્ષની વયે થયું હતું. ઘણા લોક ગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ “કવિ કાગ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે છે. કાગધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે “કાગ દ્વાર” બનાવામાં આવેલો છે. 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમના દુહાઓ માણીએ. ** ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે; માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ? પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા; માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ? જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું; છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ? ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે; છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ? કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી; ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ? આખર એક જતાં, કોડ્યું ન આખર કામના, મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા ! મોઢે બોલું ‘મા’, સાચેય નાનપ સાંભરે; મોટપની મજા, મને કડવી લાગે કાગડા ! અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં; તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા ! ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે; મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા ! મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં; પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા ! જનની કેરું જોર, રાઘવને રે’તું સદા; માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા ! મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં; ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા ! સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી; તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા ! જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે; જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા ! જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય, તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા ** *સાદર સ્મરણ વંદના*

Leave a comment