ભીખુદાન ગઢવી

જેનો પ્રારંભ છે તેનો અંત નથી. જો કે કોઇના પણ વ્યક્તિત્વનું માપ ક્યારેય પણ પ્રારંભ કે અંત પરથી નથી નીકળતું, પણ સાચું માપ નીકળે છે તેના મધ્યભાગથી ! આવું જ લોકસાહિત્ય ક્ષેત્રનું ઉજળું ને રૂડું નામ એટલે ભીખુદાન ગઢવી………

ગુજરાતી તખ્તામાં તો ખરૂ જ સાથે સાથે છેલ્લા વીસ વર્ષથી બોલિવૂડમાં તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે ગુજરાતી સાહિત્યને પોતાના અવાજ દ્રારા ગુંજતો કરીને એક અનેરૂ પ્રદાન કર્યુ છે ગુજરાતમાં લોક સંસ્કૃતિને લોક પ્રિય બનાવવામાં ગઢવી કોમનાં ભીખુદાન ગઢવીનું યોગદાન પણ ખૂબ છે. શ્રોતાગણ, સંગીતના વાદ્યો અને ભીખૂદાન ગઢવીના અનુભવી અને સુમધુર સ્વરના લહેકાનો સમન્વય ભલભલાના મનને એક વખત માટે ડોલાવી દે.

ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે એવા કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જેમાં તેઓ ભારતીય સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્યથી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.ગુજરાતી સાહિત્ય જેટલુ વિશાળ અને સમૃધ્ધ છે, તેટલું જ પ્રેરણા દાયક છે. ગીત, ગરબા, નૃત્ય, લોકગીતો તથા લોક ડાયરાઓથી સાહિત્ય વધારે રસિક અને આનંદ દાયક બન્યુ છે. અનેક વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કરવા માટે જીવન અર્પણ કર્યા છે.
ગુજરાતના ગામડાઓંમાં હજી પણ લોક ડાયરાઓ આનંદિત જીવનનો એક ભાગ છે. માત્ર ગુજરાતના ગામડાંઓ જ નહીં શહેરોમાં અને વિદેશોમાં પણ ડાયરાના ચાહકોનો એક ખાસ વર્ગ છે. લોક સંસ્કૃતિને લોક હદયમાં ધબકતી રાખવા અનેક લોક કલાકારો એ પોતાના જીવન ને જ સંસ્કૃતિમંત્ર બનાવી દીધો. છે આ લોકપ્રિય કલાકારે બી.એસ.સી. સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતની લોકસંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ડાયરા અને અન્ય સાંસ્કૃતિક માધ્યમો દ્રારા રજૂ કરીને બહોળી પ્રસિધ્ધિ આપી છે.
.

લોકસાહિત્ય, લોકગીત, ભજન, દુહા-છંદ તેમજ ચારણી સાહિત્યનાં પોતાનાં કલા વૈભવનાં પ્રદાન બદલ ૩૨ કલા પ્રતિભાઓને આ એવોર્ડ આપાયો છે.એવા ભીખુદાન ગઢવીને પ્રતિષ્ઠિત ‘દુલા કાગ’ એવોર્ડ વર્ષ ૨૦૦૯ માં આપાયો છે. ચારણી સાહિત્ય અને લોકસાહિત્યને પોતાનાં કંઠ થકી ભીખુદાન ગઢવીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે
કવિ કાગનાં વતન મજાદર ખાતે મોરારિબાપુનાં હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો

સંતો ને શૂરાની ભૂમિ સોરઠ પંથકના નરસૈયાની નગરી જૂનાગઢમાં વસતા ભીખુદાન ગઢવી આજે લોકસાહિત્ય ક્ષેત્રે બહુ મોટી નામના ધરાવે છે. મોટાભાગના કલાકારો સ્ટારડમ પામતાં જ સાતમા આસમાને ઉડવા લાગે છે. તેના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત આવી જતો હોય છે. પરંતુ ભીખુદાન ગઢવી આજે પણ આ કક્ષાએ પહોંચ્યા બાદ પણ એવાને એવા જ છે.

ર0 વર્ષની ઉંમરે પોતાનો પ્રથમ કાર્યક્રમ આપ્યો ત્યારે જેવી નરમાઇશ હતી તેવી જ આજે પણ ધરાવતા આવા
ઊંચા ગજાના લોકસાહિત્યકારને તાજેતરમાં મળવાનો મોકો પ્રદાન થયો. જૂનાગઢ-વંથલી બાયપાસ તાબે આવેલા તેઓના ફાર્મહાઉસ `ભરતવન’ ખાતે તેમની સાથે તેમના જીવન, લોકસાહિત્ય અંગે રૂડી વાતો કરવાનો યશ પ્રાપ્ત થયો.
ફીલિંગ્સ : આપ્ના મતે લોકસાહિત્ય એટલે?
ભીખુદાન ગઢવી : લોકોમાંથી આવતું સાહિત્ય કે જેનો કોઇ કર્તા ન હોય. લોકોના સાહિત્યને લોકસાહિત્ય કહેવાય

.પ્ર. ભીખુદાનભાઇ, આપે પ્રથમ કાર્યક્રમ ક્યારે કર્યો ને ત્યારે કેવો અનુભવ થયો ?
જવાબ. (ભાવુક થઇને)આજથી વીસ વર્ષ પહેલાં ગરબા… ગિરનારની ગોદમાં. જે તે સમયની લોકપ્રિય બેલડી પ્રાણલાલ વ્યાસ તથા દિવાળીબેન ભીલે તેમના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં પ્રથમ વખત મને સ્ટેજ પ્રોગ્રામમાં સાથે રાખ્યો ત્યારે મારી ઉંમર માત્ર ર0 વર્ષની હતી.

પ્ર. લોકસાહિત્યમાં રિયાઝ કેટલો જરૂરી ?
જવાબ. હાસ્યરસમાંથી કરુણરસ ને કરુણરસમાંથી હાસ્યરસમાં જવું તે બહુ અઘરું છે તે માટે સતત રિયાઝ કરવો પડે છે ને એ માટે વાંચન ને અન્યોને સાંભળવા જરૂરી છે. ઉપરાંત લોક પરિચય કેળવવો પડે છે.

પ્ર. કવિરાજ, રૂડું લોકસાહિત્ય ને બેસૂરું લોકસાહિત્યનું માપદંડ શું ?
જવાબ. (ચહેરા ઉપર હાસ્ય લાવી) રૂડા ને બેસૂરા લોકસાહિત્યનો કોઇ માપદંડ ન હોય. એ મામલો શ્રોતાઓ જ નક્કી કરે છે. પણ લોકોને રૂડું સાહિત્ય જ ગમે છે. આ મામલેે એક દાખલો આપું… કોઇ દારૂડિયો પોતાની દીકરી માટે દારૂડિયો જમાઇ શોધે છે ? ન જ શોધે.

પ્ર. આપ્ની આગવી ઓળખ કેમ ઊભી થઇ ?
જવાબ. લોકોને ગમ્યું તે આપ્યું, પિતા-પુત્ર, ભાઇ-ભાઇ, મા-દીકરો, ભાઇ-બહેનની વાતો આખ્યાન સાથે પીરસી. લોકોએ આ વાતને ગ્રહણ કરી અભિનંદનના ફોન કરવા માંડ્યા. બસ સફળતા આગળ વધતી ગઇ. લોકોમાંથી જ મળતું સાહિત્ય લોકોને પીરસતો ગયો. આજે જે ભીખુદાન ગઢવીનું નામ ને ઓળખ છે તે શ્રોતાઓને આભારી છે ને હું તેમને વંદન કરું છું.

પ્ર. આપ્ને આ ક્ષેત્રમાં જવા કોના તરફથી પ્રેરણા મળી ?
જવાબ. હું ચારણ પરિવારમાંથી આવું છું ને ચારણનો દીકરો ગાતો ને બોલતો જ રૂડો લાગે. બચપણથી જ મેં સર્વશ્રી ઝવેરચંદ મેઘાણી, હેમુ ગઢવી ને કવિ દુલા કાગને ખૂબ વાંચ્યા-માણ્યા ને તેમનામાંથી પ્રેરણા લીધી. ચારણનું કોઇ એવું કુટુંબ નહીં હોય કે જે કલાનું ઉપાસક ન હોય.

પ્ર. લોકસાહિત્ય ક્ષેત્રે આજના શ્રોતા અને દસ વર્ષ પહેલાંના શ્રોતામાં કોઇ ખાસ ફર્ક ?
જવાબ. ચોક્કસ. પહેલાંના શ્રોતાઓમાં સમજદારી ને મર્યાદા હતી. તેઓ સંસ્કૃતિસભર વાતો બહુ રસપૂર્વક સાંભળતા ને ગ્રહણ કરતા. આજે પણ એવા શ્રોતાઓ છે જ. પણ આજના યુવાનો સાહિત્યના ઊંડાણ તરફ નથી વળતા. તેઓ પાસે ટાઇમનો અભાવ નજર આવી રહ્યો છે. પણ આજ યુવાનોને ડિસ્કો દાંડિયામાં સવારના કૂકડા બોલાવવામાં જરૂરથી ટાઇમ મળી જાય છે.

પ્ર. આપે વિદેશોમાં કાર્યક્રમ કર્યા છે તો ત્યાં કેવી અનુભૂતિ થઇ છે?
જવાબ. મેં વિદેશોમાં ઘણા કાર્યક્રમ કર્યા છે. ખાસ કરીને વિશ્ર્વવિખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુ સાથે તો ઘણીવાર વિદેશ ગયો છું ને લોકોને લોકસાહિત્ય પીરસ્યું છે. 1પ કે ર0 દિવસનો કાર્યક્રમ હોય, પણ જેવો કાર્યક્રમ પૂરો થાય કે તરત મને મારો દેશ સાંભરે. અનેક દેશોમાં ફર્યા પણ મેરા ભારત મહાન.

પ્ર. આજના યુવાનોને કોઇ ખાસ સંદેશ ?
જવાબ. આજના યુવાનોને મારે એટલું જ કહેવું છે કે, યુવાની અવસ્થા સાચવવા જેવી છે. કાયમ યુવાની રહેતી નથી. આથી જ હંમેશાં સારું ગ્રહણ કરજો. યુવાનીમાં સંભાળજો ને વ્યસનથી દૂર રહેજો.
Thanks- નીતિન વસાણી

5 Responses

  1. soradh no shih che. bhai

    Like

  2. bhikudan a bija hemu gadhavi che

    Like

Leave a comment