“કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા…”

કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા…

 

કવિ દુલા ભાયા કાગ:

વાણી તો અમરત વદા…

દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ

(દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રિજો તું દુલીયા.

આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતા બાકીના બે – સર પટ્ટણી અને કવિકાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ વહીવટકર્તા તરીકે સર પટ્ટણી અને કાળને ઓળખી ગયેલા સમર્થ સાહિત્યકાર તરીકે ભગતબાપુની સ્મૃતિ ભાવનગરના ઇતિહાસ સાથે અનેક સ્થળે – અનેક પ્રકારે જોડાયેલી છે તથા જીવંત છે. આથી આજના શુભ દિવસે ભાવનગર શહેરમાં કવિ કાગની પ્રતિમાની અનાવરણ વિધિ થઇ રહી છે ત્યારે સોનામાં સુગંધ ભળ્યાની સ્થિતિ થઇ છે. પૂ. મોરારીબાપુ જેવા સાહિત્યના સંવર્ધન માટે નિત્ય પ્રવૃત્ત રહેનાર સંતના હસ્તે આ પ્રતિમાની અનાવરણવિધિ થાય છે તે એક ઐતિહાસિક ઘટના છે. પૂ. મોરારીબાપુ અને ભગતબાપુ પણ સ્નેહના ધાગે બંધાયેલા છે તે સુવિદિત છે. મજાદર જેવા ખોબા જેવડા ગામમાં જન્મ લઇને વહાવેલ અપ્રતિમ સાહિત્ય સર્જનની સરવાણીની કેવી અસર હશે કે ભારત સરકારે આ ભક્તકવિને ૧૯૬૨ માં પદ્મશ્રીના ઇલ્કબથી નવાજ્યા. આપણા આ લોકર્ષિ કવિને લોકોનો અસાધારણ પ્રેમ તથા આદર હંમેશા મળ્યા છે. પ્રાણવાન કવિતાઓ હંમેશા તરોતાજા લાગે છે તેનું જ્વલંત ઉદાહરણ ભગતબાપુની રચનાઓ છે.

૧૯૯૮ માં મહુવા ખાતે પણ કાગબાપુની પ્રતિમાનું અનાવરણ પૂ.મોરારીબાપુએ કરેલું એ રીતે એ વિસ્‍તારના લોકોએ કવિ તરફનો પોતાનો સ્‍નેહ અને આદર વ્‍યકત કર્યા હતા. કવિશ્રી કાગની સ્‍મૃતિમાં પૂ.મોરારીબાપુની પ્રેરણા તથા તેમની હાજરીમાં લોક-સાહિત્‍યને સમૃધ્‍ધ કરનાર પાંચ સાહિત્‍યકારોને મજાદર (કાગધામ) ખાતે એક ગૌરવશાળી સમારંભમાં સન્‍માનિત કરવામાં આવે છે. આ પ્રકારે આપણાં આ ઘરદિવડાના ઓજસ્‍વી વ્‍યક્તિત્‍વનું નિયમિત સ્‍મરણ કરવામાં આવે છે.

ભાવનગરના પ્રતાપી મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીને કાગબાપુ પ્રત્‍યે ખૂબ સ્‍નેહ હતો. મહારાજાનો મુકામ પોર્ટ વિકટર થાય ત્‍યારે કવિ તેમને અચૂક મળતા અને રાજયની તથા સાહિત્‍યની વિવિધ બાબતો અંગે ચર્ચા કરતાં. મહારાજાની રીતભાત તથા તેમનો પ્રજાપ્રેમ જોઇને કવિ પ્રભાવિત થયેલા. ભગતબાપુ કોઇ રાજદરબારી કવિ ન હતા, પરંતુ કૃષ્‍ણકુમારસિંહજીમાં તેમણે અન્‍ય રાજવીઓથી વિશિષ્‍ટ એવી પ્રતિભાના દર્શન કર્યા હતા.

આથી જ તેમણે લખ્‍યું –

નિજ રોફ વધારવા કારણીએ જેના રકતને નેત્રમાં ક્રોધ રમે,

તેની પાસ જતા થડકે સહું માનવ…… એકલા ભવ્‍ય અટારી ગમે,

વ્‍યસને વ્‍યસને વધીને વધીને નૃપ બીજા હજારોને દાહ દહે,

ત્‍યારે કૃષ્‍ણ ભૂપાળ હૈયે હસીને હસતે મુખડે દિનરાત રહે

મહારાજા કૃષ્‍ણકુમાર સિંહજીની જીવનશૈલી અન્‍ય રાજવીઓથી કેટલી ભીન્‍ન હતી તેની વાત કવિએ કેવી સચોટ રીતે કરી છે ! રાજવી પરિવારમાં મહારાજા સહિત સૌને ભગતબાપુ પાસેથી રામાયણની વાતો સાંભળવી ખૂબ ગમતી હતી.

મહારાજ કૃષ્‍ણકુમારસિંહજીની જેમજ પટ્ટણી સાહેબનો પણ ખૂબજ સ્‍નેહ ભગતબાપુને પ્રાપ્‍ત થયો હતો. કવિશ્રી પાસેથી રામાયણ સાંભળવાનો શોખ સર પટ્ટણી  તથા તેમના ધર્મપત્‍નિ રમાબાને હતો. પટ્ટણીસાહેબના બંગલે જયારે આવી સાહિત્‍યની બેઠકો થતી ત્‍યારે તેમાં ચિંતન તથા વિચારોના આદાન-પ્રદાન ની છોળ ઉડતી હતી. કવિ શ્રી કાગની અજાચક વૃત્તિ તરફ પટ્ટણી સાહેબ ખૂબ આદરથી જોતા હતા. મજાદર ભગતબાપુના મહેમાન થયા તયારે પટ્ટણી સાહેબે કહ્યું  કે કવિના માતા જો જીવિત હોયતો તેમણે એ જોગમાયાના હાથે ઘડેલા બાજરાના રોટલા અને દૂધ ખાવા છે. ઉન્‍ન્‍ત વિચારો અને સાદી તથા પવિત્ર જીવનશૈલી જીવીને આવા મહામાનવો સમાજને દિશાદર્શન  કરાવીને ગયા છે. પટ્ટણી સાહેબને કાગબાપુએ રચેલા ગાંધીગીતો સાંભળવા ખૂબ ગમતા હતા. કાળની એ બલીહારી હતી કે ભાવનગર રાજયમાં આવા મહાત્‍માઓ એકજ કાળમાં હયાત હતા અને એકબીજા સાથે આત્‍મિયતા ધરાવતા હતા.

ગાંધીજીના આદર્શો,  વિચારો તથા કાર્યપધ્ધતિનું લોકભોગ્‍ય ભાષામાં વર્ણન ભગતબાપુના કાવ્‍યોને એક વિશેષ ઉંચાઇ અપાવે છે. મેઘાણીભાઇએ કહયુ છે તેમ લોકભોગ્‍ય સાહિત્‍યમાં ગાંધીવિચારને ઝીલવામાં ભગતબાપુ ખૂબજ સફળ રહયા હતા. રવિશંકર મહારાજના જીવનને બીરદાવતા કવિએ તેમને “ઉપકારી આત્‍મા” કહીને ઝાઝેરા રંગ દીધા છે. યોગીજી મહારાજની ભક્તિ તથા તેમની ભાવના ભગતબાપુના કાવ્‍યો ના માધ્‍યમથી સમસ્‍ત હરિભક્તોના દિલ અને દિમાગ પર છવાઇ ગયા હતા. ગામડે ગામડે ભાંગતી રાતે ગવાતા ભજનોમાં ભગતબાપુની રચનાઓ લોકસમૂહે વ્‍યાપક રીતે ઝીલી.

આશરે તારે ઇંડા ઉછેર્યા..  ફળ ખાધા રસવાળા,

મરતી વખતે સાથ છોડે, ઇ મોઢા હોય મશવાળા….

ઉડી જાવ પંખી પાંખુવાળા…

કવિતા એ ચારણ કવિઓનો વ્યવસાય નહિ પરંતુ તેમની પ્રકૃતિ હતી. આ કવિઓના હૈયામાંથી પાતાળગંગાની જેમ કાવ્ય-સરવાણી સહજ રીતે ફૂટતી હતી. ભગતબાપુ પ્રકૃતિ અને પરમતત્વના સદૈવ ઉપાસક હતા. વ્યસનમુક્ત કરી સમાજને સરસ્વતિની ઉપાસનાના માર્ગે વાળવાનો અહર્નિશ પ્રયાસ કરનાર આ ક્રાંત-દ્રષ્‍ટા, ઋષિ કવિ હતા. ભગતબાપુની પ્રતિમા ભાતિગળ તથા ભવ્ય ભાવનગરની શોભામાં જરૂર અભિવૃદ્ધિ કરશે તેમ કહેવું ઉચિત ગણાશે.

આભાર -વી.એસ. ગઢવી

ગાંધીનગર

http://vasantsgadhavi.wordpress.com/

*******************

કવિશ્રી કાગબાપુની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ઉદબોધન જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર કલીક કરો…

http://www.youtube.com/watch?v=dPGaGp4X1qM

**********************************************

Leave a comment