મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા


મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા

 

Youthfulness

મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્‍ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્‍તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્‍ણા  રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્‍યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે કે, વધુ ગીતો શે લખાય ?’’

       રાષ્‍ટ્રપિતાએ જેમને રાષ્‍ટ્રીય શાયર માન્‍યા, બીરદાવ્‍યા એવા આ મહા કવિના વિચારોમાં કેટલી નમ્રતા તેમજ લાગણીશીલતા દેખાય છે? કવિને મન તેના પ્રિય ભાવકોની સ્‍વિકૃતિથી વિશેષ મહત્‍વનો કોઇ ઉપહાર નથી. ભાવકોના દિલમાં સ્‍થાન મેળવવું તેની તોલે કોઇ ઇનામ કે એવોર્ડ આવી શકે નહિ. ખાસ કરીને તે સમયના તરૂણોને મેધાણીભાઇની વિવિધ રચનાઓમાં પોતાની મનોસ્‍થિતિનું જીવંત તેમજ આબેહૂબ પ્રતિબિંબ દેખાયુ. તરુણોએ જયારે આ કાવ્‍યોને ખોબે અને ધોબે વધાવ્‍યા, અપનાવ્‍યા ત્‍યારે કવિને તેમના વિશે સાંપ્રત કાળને અનુરૂપ વધારે રચનાઓ લખવાનો સંકલ્‍પ થયો. આવી રચનાઓ જોઇએ તેટલી લખાતી નથી તેની મીઠી ખટક પણ રહી. કાળના એ પડકારરૂપ પ્રવાહમાં મેધાણીભાઇની છટાથી, તેમના હાવભાવથી તથા તેમની અસ્‍ખલિત વાણીના વેગીલા પ્રવાહથી યુવાનો તેમને સાંભળવા તલપાપડ હતા.

મુંબઇ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતી વસનજી ઠકરાર વ્‍યાખ્‍યાનમાળાના પાંચ પ્રવચનો તેમણે ૧૯૪૩ માં પસ્‍તુત કર્યા. પ્રથમ પ્રવચનથીજ જાણે કે આ કાઠિયાવાડી કવિએ મુંબઇના અનેક અધ્‍યાપકો, નવયુવકો પર વશીકરણ કર્યું. શ્રી કૃષ્‍ણલાલ મો. ઝવેરી લખે છે કે આ વ્‍યાખ્‍યાનમાળાને પરિણામે ગુજરાતી સાહિત્‍યને ઉત્તમ કોટિના વ્‍યાખ્‍યાન મળ્યા. મેધાણીભાઇના પ્રથમ વ્‍યાખ્‍યાન સમયે શ્રી કૃષ્‍ણલાલ ઝવેરી એ સભાના પ્રમુખ તરીકે હતા. મેધાણીનું નામ એવું કે તેમને સાંભળવા, જોવા હાજર રહેલા સૌ ઉત્‍સુક હતા. તેમને બધા જોઇ શકે તે માટે તેઓને ટેબલ પર ઉભા રહીને પ્રવચન કરવાની વિનંતી કરવામાં આવી જે તેઓએ તરત જ સ્‍વીકારી. તેમના બુલંદ અવાજ તથા પ્રસંગને અનુરૂપ વિશિષ્‍ટ હાવભાવથી તેઓ શ્રોતાજનો પર છવાઇ ગયા. હોલની બહાર પણ માણસોના ટોળા ધ્‍યાનપૂર્વક સાંભળવા માટે સ્‍વયંશિસ્‍ત જાળવી ઉભા હતા. હૈયે હૈયુ દળાય એવી મેદની એક મહાવિદ્યાલયમાં લોક સાહિત્‍ય સાંભળવા એકત્રિત થયા તે પણ એક ઐતિહાસિક ઘટના ગણાય. કોન્‍વોકેશન હોલની બહાર પણ ઉભેલા શ્રોતાઓ લાઉડસ્‍પીકર વગર તેમને સાંભળી શકે તેથી સંપૂર્ણ શાંતિ સહેજે જળવાતી હતી. યુવાનોના મોટા વર્ગ પાસે સાહિત્‍યની વાતો મેધાણીભાઇ કરતા હશે ત્‍યારે જરૂર યુવકોને તેમના મનના મનોરથનું જીવતું જાગતું પ્રતિબિંબ દેખાતુ હશે. આ સિવાય વકતા-શ્રોતાઓ વચ્‍ચે  આવું અનોખુ અનુસંધાન ભાગ્‍યેજ સંધાયેલુ જોવા મળે, સાહિત્‍યના સત્‍વશીલ પ્રવાહનું મેધાણીભાઇના માધ્‍યમથી થયેલું આ અનોખું આરોહણ અહોભાવ પ્રેરક છે.

યુવાનોના ઉમંગ તથા જોશને બીરદાવતા શબ્‍દો આ પંકિતઓમાં તેમણે વહાવ્‍યા.

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ.

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.

જેમના દિલોદિમાગ પર વીરતા અને બલીદાનનો ઉજળો ઓછાયો પડયો હોય તે યુવાન જ નેકટેકની રક્ષા માટે જીવનના ભિષણ સંગ્રામમાં ઝૂકાવી શકે અને ટકી શકે. રેવા તીરે વસેલા રળિયામણા રાજેસર ગામનો યુવક સૂર્યાસ્‍તની પવિત્ર સાક્ષીએ, ભાંગતા અવાજે અને ઘાયલ શરીરે પોતાના મિત્રના માધ્‍યમથી જે સંદેશાઓ કહેવરાવે છે તે આવી ખુમારી ભરેલી યુવાનીનો ખરો પ્રતિનિધિ છે. વૃધ્‍ધ માતાને, વહાલસોયી બહેનને, ભોળા ગ્રામવાસીઓ તથા કાળી આંખોવાળી પ્રિયતમાને કહેવા માટે જે ઉર્મિઓ તેની વાતમાં ઉભરાય છે તેની આગળ સાગરની લહેરો પણ કદાચ ફિકકી લાગે. કાળજીનો, વાત્‍સલ્‍યનો, મર્દાનગીનો સુમધુર સુર તેના જીવનના સાફલ્‍ય ટાણાને અવનવા રંગોથી ભરી દે છે. તેનું આખરી પ્રયાણ જાણે તખ્‍તો છોડીને ગરવાઇ અકબંધ રાખીને જતા કોઇ શહેનશાહ જેવું લાગે છે. તેનો આત્‍મા માયાના બંધનોમાં વિંટળાઇને રહેનાર હતો જ નહિ. આ તો મુકત આત્‍મા હતો, તેને ચિર યૌવન પ્રાપ્‍ત હતું અને અનંતમાં પોતાને પ્રિય એવા બંધનમૂકત ઉડૃયન તરફ તેની સમગ્ર ગતિ હતી.

માડી ! હું તો રાન પંખીડું,

                                                  રે માડી ! હું વેરાન પંખીડુ

                                                  પ્રીતિને પીંજરે મારો જંપિયો નો ‘તો જીવ તોફાની રે,

                                                  સુના સમંદરની પાળે.

રેવાના ઘેરા નાદ અને સંગ્રામ સ્‍થળની ભિષણતા વચ્‍ચે પણ યુવાનના મનોભાવનું આવુ મોહક ચિત્ર મેધાણી જેવા સર્જક જ પ્રગટ કરી શકે.

રાજકોટની ધમેન્‍દ્રસિંહજી કોલેજમાં ભણતા કવિ શ્રી મકરંદ દવે કોલેજોના યુવાનો પર મેધાણીની રચનાઓની અસર તેમજ તેમની વાત કરવાની અર્થપુર્ણ શૈલીને યાદ કરીને એક સારુ સંભારણું લખે છે. કોલેજમાં મેધાણીનો કાર્યક્રમ હતો. તેમણે એક પંકિત ગાઇ જે યુવાનોમાં બરાબર ઝીલાઇ.

                                                 મુને ન જાણીશ એકલી

                                                 મારા ગુર્જર ચડે નવ લાખ રે !

મેના બાદશાહને ચેતવણી આપતા (મેના ગુર્જરી) કહે છે કે મારી સાથે ગુસ્‍તાખી કરતા પહેલા વિચારજે. હું એકલી નથી. મારી પાછળ, મારી રક્ષા માટે નવલાખ ગુર્જરો તારૂ પગેરુ દબાવતા આવશે ત્‍યારે તારી ખેર નહિ રહે! કોલેજના યુવાનોને આ વાત કહેતા મેધાણીભાઇ સહસાજ તેમને પ્રશ્ન કરી બેસે છેઃ આ કોલેજમાં ભણતી કોઇ દિકરી, બહેનને તમારી ઉપર, અહીં એકઠા થયેલા યુવાનો પર આટલો ભરોસો છે ખરો ? જો તેમ હોય તો કોઇ અનિષ્‍ટ તત્‍વની આંખ પણ તેમના તરફ ફરકી શકે નહિ. યૌવનને ઉજાળવા તેમજ તેમની ઉજળી બાજુને રંગ ચડાવવા તેમણે તેમની અવિરત ચાલતી રઝળપાટમાંથી ઘણો સમય કાઢયો.

સમગ્ર દેશમાં જયારે ગાંધી ચિંધ્‍યા માર્ગે બ્રિટીશ સત્તાને હાંકી કાઢવા સંગ્રામ ચાલતો હતો ત્‍યારે તેનો અગ્નિ વિશેષ પ્રજવલિત કરવામાં મેધાણીના શબ્‍દોનો મોટો ફાળો રહ્યો. તરૂણોના મનોરાજયને બીરદાવતા તેમણે જાનદાર શબ્‍દો લખ્‍યા.

કોઇ પ્રિયજન તણાં નેન રડશો નહિ !

                                               યુધ્‍ધ ચડતાને અપશુકન ધરશો નહિ !

                                               કેસરી વીરના કોડ હરશો નહિ !

                                               મત્ત યૌવન તણી ગોત કરશો નહિ !

                                             રગરગિયા, રડિયા ધણું, પડિયા સૌને પાય,

                                            લાતો ખાધી, લથડિયાં એ દિન ચાલ્‍યા જાય.

ડગલે ને પગલે માતૃભૂમિના થતા અપમાનનો અંત લાવવા આ યુવાનોએ જયારે જંપલાવ્‍યુ છે ત્‍યારે તેમના તો વારણાંજ લઇ શકાય, તેમના માટે વિલાપ કે રૂદન અપ્રસ્‍તુ છે. ફનાગીરીનો નિર્ધાર કરીને હોમાયેલા ક્રાંતિવીરોને રંગ દેતા તેઓ એક સર્જક તરીકે ખૂબ ખીલ્‍યા  છે.

વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન,

                                           રોપાણાં ત્રણ રૂખડા હો..જી,

                                           વીરા ! એની  ડાળિયુ ચડી આસમાનઃ

                                           મુકિતના ઝરે ફૂલડાં હો..જી.

મેધાણીનું સાહિત્‍ય, તેમણે મહામહેનતે, તપશ્ચર્યા કરીને મેળવેલુ સાહિત્‍ય હોવાથી ખરેખર ચિર યૌવન પ્રાપ્‍ત સાહિત્‍ય હોય તેવી સતત પ્રતિતિ થયા કરે છે. આથી કોઇપણ કાળે યુવકોને તેનું આકર્ષણ રહેશે જ તે બાબત નિર્વિવાદ છે. યુવાનોને અતિપ્રિય એવા આપણાં આ કવિની વાણીને, તેના અમૂલ્‍ય યોગદાનનેતેના જન્‍મ દિવસના આ મહીનામાં સવિશેષ યાદ કરીએ.

***Thanks to – Vasantsgadhavihttp://vasantsgadhavi.wordpress.com/

One Response

  1. બહુ સરસ વર્ણન કર્યું છે.

    Like

Leave a comment