મને ગમતો નરસૈયો…..

મને ગમતો નરસૈયો…..

ઘણા વર્ષે,એટલેકે લગભગ ૧૯૯૪ ની મારી ડાયરી આજે મેં જયારે ખોલી ત્યારે મેં “આકાશવાણી”પરથી ગયેલું નરસિહ મહેતાનું આ પદ જોયું અને તમારી સામે મુકવાનું મન થયું.મને આનંદ એ જ છે કે મારી ડાયરીના પાના હજી પીળાં નથી પડ્યા.

 

સંતો,અમે રે વેવારીયા શ્રી રામના

વેપારી આવે છે બધાં ગામ ગામના ..

અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,

અઢારે વરણ જેને વો’રવાને આવે,

અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે,

જેને રાજા ન દંડે,જેને ચોર ન લુટે.

લાખ વિનાના લેખાં નહિ ને, પાર વિનાની પુંજી

હોરવું હોય તો હોરી લેજો,  કસ્તુરી છે સોંઘી.

રામનામ ધન અમારે,વાજે ને ગાજે,

છપ્પન પર ભેરુ ભેરી-ભુંગળ વાગે,

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મી-વરનું નામ,

ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા ,નરસૈયાનું કામ.

મને પહેલા વાંચતા વાંચતા વિચાર આવ્યો કે,નરસિહ મહેતા તો કૃષ્ણ ભક્ત છે ને રામનામ ની વાત કેમ ?!પણ અંત જોયું કે”ચિઠ્ઠીમાં ચતુર્ભુજ”અને ખાતા વહીમાં લક્ષ્મી-વર નું નામ.બસ પછી કોઈ સંદેહ ન રહ્યો.

About harshajagdish

મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં થી ગુજરાતી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પ્રોફેસર-ચીમનભાઈ પટેલ ,અને શ્રી.ચંદ્રહાસ મજુમદાર. સંસ્કૃત ના પ્રોફેસર -શ્રી ગૌતમભાઈ પટેલ,અને શ્રી.મૃગાક્ષી શાહ.સુગમ સંગીત નું શિક્ષણ અમદાવાદમાં ભવન’સ કોલેજમાં સાંજના ચાલતા ક્લાસીસમાં શ્રી રાસબિહારી દેસાઈ પાસે લીધું.સંગીતમાં શિક્ષા વિશારદ -બી -એડના ગુરુ-શ્રીમતી સુધાબેન માથુર-તેઓ શ્રી વી.જી.જોગસાહેબના પટ્ટશિષ્ય હતા.મારા ઉપર આટલા બધા ગુરુઓનો હાથ છે. મને મારા તમામ ગુરુઓ પર ગર્વ છે. મારી જીવન યાત્રામાં મેં જોયેલા,જાણેલા અને જાતન કરીને જાળવેલાનું શબ્દરૂપ,એટલે ‘મારી જીવન સંધ્યાનો ઉજાસ.’.. મારા આ લખાણ નો મૂળ મંત્ર, “એક એક ફુલ લઇ,સોયમાં પરોવું ને, અંતરમાં એક એક પાંખડીઓ ખુલે, આતો સ્મરણોના ફુલ,એમાં હોય નહી શૂળ, એવા નવરંગી ફૂલોની માળાઓ ઝૂલે, મારા મનના હિંડોળે.” અને મારા જીવનનો મૂળ મંત્ર: “સ્મૃતિમાં જેની મીઠાશ જળવાય,એ જ સાચું જીવન, બીજું બધું ભૂલી જાઓ,માફ કરો અને આગળ વધો.”
(Thanks-http://harshajagdish.wordpress.com/)

Leave a comment