નરસિંહ મહેતા

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓની હરોળમાં આવે..૫૦૦ વર્ષ પહેલા થઈ ગયેલા આપણા કવિ નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે….આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ સ્હેજ પણ જૂનાં નથી લાગતાં….નરસિંહની વાચા ‘રાધાકૃષ્ણ’ શબ્દથી ફૂટી હતી…
નરસિંહ મહેતા ઈ. સ.ની પંદરમી સદીમાં થઈ ગયા…ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો…ગુજરાતી ભાષાના સહુપ્રથમ ચિત્રપટ પણ નરસિંહ મહેતા પર બનાવામાં આવ્યું હતું એટલુ જ નહીં ભારતમા કોઇ એક વ્યક્તિના જીવન પર સહુથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે.તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના …….

,વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે;

પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન-અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી, ભાગ્યે જ કોઈ અજાણ હશે.એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં .

આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વોગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતા પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું અમ માનવામા આવે છે.તેઓ નાતે વડનગરા નાગર હતાં.વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. ત્રણ વર્ષ્ન હતા,ત્યારે તેમના પિતા અને અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા….નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં.. કાકા પર્વતદાસ ને ઘેર ઉછરિ મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈ ના આશ્રિત થયા. તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું. પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં,ભાભીનાં મહેણાં-ટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપીનાથ મહાદેવ (ગોપનાથ)માં ચાલ્યા ગયા. જયાં તેમને પ્રભુ મિલનનો અદ્ભુત અનુભવ થયો.ભજન સિવાય તેમને કશામાં રસ પડતો ન હતો.ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા……ભાભીને ધન્યવાદ આપે છે. મહેતાજી લખે છે,

પરમ-વચન કહ્યાં ભાભીએ હું ને તે માહરા પ્રાણમાં રહ્યાં વળુંધી

શિવ આગળ જઇ એકમનો થઇ ઘ્યાન કીધું દિવસ સાત સુધી

કીડી હુતો તે કુંજર થઇ ઉઠિયો પૂરણ બ્રહ્મ શું ઘ્યાન ચોંટયું

હાથ મારો સાહ્યો પારવતી પતે મુકિતપુરી મને સધ દેખાડી

મહેતાજી કહે છે, ‘મારા ધન્યભાગ કે પારવતી પતિએ મારો હાથ પકડીને મને મુકિતપુરી એટલે કે વૈકુંઠનાં દર્શન કરાવ્યાં. હંુ કીડી જેવો પામર હતો પણ શિવકòપાથી કુંજર જેવો થઇ ઉઠયો.’

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે માલી રે.

જ્ઞાનવૈરાગ્યનાં પદોમાં પણ મહેતાજીની તોલે કોઇ આવી શકે નહીં. તે લખે છે, ‘જગતમાં જે કંઇ થાય છે તે ઇશ્વરની મરજીથી થાય છે, આપણે તો કેવળ નિમિત્તમાત્ર છીએ માટે અભિમાનનો ત્યાગ કરવો જૉઇએ.
મહેતાજીએ શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કયાô ત્યારથી તમને કૃષ્ણભકિતની લગની લાગી. તેમના મુખમાંથી દિવ્યવાણી સ્ફૂરી. નરસિંહ મહેતાનું કાવ્યસર્જન વિપુલ પ્રમાણમાં છે

.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી.
ગૌરી સાથેના લગ્નથી તેમને ત્યાં પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો..નરસિંહના જીવનના કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હૂંડી અને હારના ચાર પ્રસંગો ઇશ્વર પ્રત્યેની તેમની અપાર ભકિતનાં દૃષ્ટાંતો છે.સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં…તેમના લગ્ન માણેકગૌરી સાથે થયા હતા. સંતાનમા એક પુત્રી કુંવરબાઇ અને પુત્ર શામળશાને જન્મ આપી માણેકગૌરી બીમારીથી મૃત્યુ પામ્યા હતા.

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

નરસિંહનાં ભાગ્ય ગણો કે પ્રભુની લીલા ગણો, પણ તેના જીવનમાં બનાવો જ એક પછી એક એ રીતે બન્યા કે જે નિમિત્તે નરસિંહને ઈશ્વરનું ભજન કરવાની, તેની પાસે મદદ માગવાની અને ઈશ્વર પાસેથી મદદ મળતાં, તેની લીલા ગાવાની તક મળતી રહી. તેના જીવનમાં એક પછી એક દુઃખના પ્રસંગો આવ્યા હતા.ભાભીનાં મહેણાં-ટોણાં,કુંવરબાઇના વિવાહ વખતે એમનું મામેરું ,.એમની દીકરી કુંવરબાઇના મામેરા વખતે વડસાસુએ લાંબુંલચ લિસ્ટ લખીને કુંવરબાઇના હાથમાં આપી દીધું. કુંવરબાઇ રડતાં-રડતાં પિતાજીની પાસે આવ્યાં ત્યારે નરસિંહ મહેતા એક જ વાકય બોલ્યા, ‘મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા.’ અને ભગવાન દ્વારિકાધીશે ખરેખર લિસ્ટમાં લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી. નરસિંહ કોઈ સામાન્ય સંસારી ન હતા કે દુઃખ જોઈને ગભરાઈ જાય. દુઃખના પ્રસંગે પ્રભુએ પધારી તેની સહાય કરી હતી.(મોસાળું) કરવા માટે કોઇ જ ન આવતાં ખુદ શ્રીકૃષ્ણ ભગવાન શેઠ સગાળશા બની આવ્યા હતા, અને એમણે ધામધૂમથી મામેરું કર્યું હતું. આ ઘટનાને વર્ણવતી પદ્ય રચના નરસિંહ મહેતાએ જાતે લખી હતી. આ આત્મકથાનક પ્રકારની પ્રસિદ્ધ પદ્ય રચના એટલે કુંવરબાઇનું મામેરું…. પ્રભુ આવીને સહાય કરે એટલે નરસિંહ પ્રભુનો મહિમા કરતાં ભજનોની રચના કરે. આમ જીવનના દુઃખમય પ્રસંગોને, તેણે પ્રભુનો મહિમા ગાવાના ધન્ય પ્રસંગો તરીકે સ્વીકારી લીધા હતા. આટલી નમ્રતાના કારણે જ નરસિંહનું કરુણતાથી ભરેલું જીવન આજે પણ લોકોમાં આસ્થા જગાડે છે.

જયારે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો ત્યારે ભગવાન દ્વારિકાધીશે મહેતાજીને નિર્દોષ સાબિત કરવા માટે ગળામાં હાર પહેરાવ્યો. આ જોઇને રાજા ચરણમાં ઝૂકી પડયો.નરસિંહ મહેતા સંસારી હોવા છ્તાં સંસારથી અલિપ્ત રહી કૃષ્ણભક્તિમા રચ્યા પચ્યા રહેતા. તેમની સમગ્ર કવિતામા કૃષ્ણપ્રેમ અને સમર્પણ છે.પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલા ઉત્તમ કવિ હતા. આમ નરસિંહ સાચા ભકત અને વૈષ્ણવ હતા

આ જ રીતે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને ભગવાન દ્વારિકાધીશે શામળશા શેઠનો વેશ ધરીને હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી આપ્યાં…મહેતાજીનાં પદો આત્મજ્ઞાનના અનુભવથી ભરપૂર છે. કòષ્ણભકિત કેવી રીતે કરવી માણસ બનીને જીવવું, સર્વની સાથે કેવી રીતે પ્રેમભાવ રાખવો, નાતજાતથી પર બની કેવી રીતે જીવવું, સર્વની સાથે કેવી રીતે ભગવાનને પ્રિય બનવું આ સર્વ વાતો મહેતાજીનાં કાવ્યોમાંથી જાણવા મળે છે.
શામળશાનો વિવાહ, પત્નીનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન ગાવા બદલ જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા હાલી નહીં પરંતુ દૃઢ જ રહી અને એથી ચમત્કારોનું સર્જન થયું. અહીં આપણે એ સંત અને સર્જક એવા નરસિંહ મહેતાની રચનાઓ માણીએ…

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

રેહવાને નથી ઝુંપડી, વળી ખાવા નથી જુવાર,
બેટો-બેટી વળાવીયા રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

એક ઉત્તમ કવિ અને વિનમ્ર ભક્ત હતા, પણ તેની ભક્તિમાં બીજા ગુણો પણ ભળેલા હતા. ભક્ત હંમેશાં નમ્ર હોય છે એટલે તે બધાને આદર આપતો હોય છે. નરસિંહ હરકોઈ વ્યક્તિને સમાન ગણે છે. તેની નજરમાં કોઈ ઊંચો નથી તો કોઈ નીચો નથી. એટલે જ ભજન કરવા માટે તે હરિજનવાસમાં જાય છે. એ જમાનો એટલે રૂઢિની દાસતાનો જમાનો. જ્ઞાતિના ચુસ્ત નિયમોને કોઈ તોડી ના શકે. નાગરો એટલા તો મરજાદી કે બીજાના હાથનું અડેલું પાણી પણ ન પીએ. આવા જડ નિયમવાળા જમાનામાં જીવતા હોવા છતાં નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો તોડે છે. એ જમાનામાં હરિજનવાસમાં જવું એ ઓછી હિંમતની વાત ન હતી !અછૂત મનાતા લોકો માટે તેણે જ સહુપ્રથમ સહ્રદયતાથી હરિજન શબ્દ વાપર્યો. હરિજન એટલે હરિના જન ! જે હરિથી ડરીને ચાલે, હરિમાં વિશ્વાસ રાખે તે હરિજન. તેની બીજી કોઈ નાતજાત નથી. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

આમ નરસિંહ એક સાચા માનવ હતા. ન્યાતજાતના ભેદને તેમણે ઠોકરે માર્યા હતા. હરિજનો સાથે ભજન ગાવા માટે જ્ઞાતિજનોનો રોષ તેમણે વહોરી લીધો હતો. સગાસંબંધીઓનો તિરસ્કાર પણ તેને સહન કરવો પડ્યો હતો. સગાસંબંધીઓએ તેને ધુત્કારી કાઢ્યો તો યે સહેજ પણ ડગ્યા વગર તેણે કહ્યું –
“ભક્તિ કરતાં જો ભ્રષ્‍ટ કરશો
તો કરશું દામોદરની સેવા…. ”
આ ઉદારતા તેમના માટે કષ્‍ટરૂપ બની ગઈ હતી. સ્વયં તેનાં જ સગાંઓ તેની ક્રૂર મજાર અને ટીખળ કરતાં હતાં. એક વાર એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, ‘થોડું ઠંડું પાણી હોય તો આપોને.’ ત્યારે વેવાણે મહેણું માર્યું, ‘તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોને’ અને મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડયો…..નરસિંહે હિંમતભેર આ તિરસ્કાર અને અપમાન સહન કર્યાં હતાં. કહો કે એક જાતનું તપ તેણે કર્યું. લોકો તરફથી મળતા અપમાન કે તિરસ્કારને ધ્યાનમાં લીધા વગર તે ભક્તિમાં તલ્લીન રહ્યા.

ગુજરાતી સાહિત્યમા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ઉત્કૃષ્ટ ઊર્મિકવિતાનો પ્રારંભ નરસિંહ મહેતાની પદરચનાથી થાય છે.નરસિંહના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત…ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના પ્રભાતિયાં સાંભળિ સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીકે છે. અંતરના ઉંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે..

નરસિંહ મહેતા નો આ બહુ જ જાણીતો ગુજરાતી ગરબો છે.નાગર નંદાજીના લાલ-

આપણા અંતરમાં રહેલા જીવનના પરમ તત્વ સાથે આપણો સંવાદ સધાયો હોય છે. આપણો અહમ્ ઓગળી ગયેલો હોય છે અને તે તત્વ સાથે એક રૂપતા આપણે અનુભવતા હોઇએ છીએ. આવો અનુભવ આ ગરબામાં જોવામળે છે . રાસ રમતા. ઇશ્વર સાથે રાસ રમતા હોઇએ તેવીઅનુભૂતિ થાય અહમ્ નું પ્રતિક નાક છે અને નાક્નો શણગાર નથણી છે. આમ રાસ રમતાં નથણી ખોવાય તે અહમ્ ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે..
(શ્રી જવાહર બક્ષી)
વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સમાવેશ થાય છે.આ ઉપરાંત તેમણે ‘શૃગારમાળા’, ‘ગિવિંદગમન’ અને ‘રાસસહસ્ત્રપદી’ની પણ રચના કરી છે. તેમણે ‘સુદામાચરિત્ર’ની રચાના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રમાનંદે આગળ ધપાવી હતી.

નરસિંહ:આધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી અને શૃંગાર કાવ્યો વાંચ્યા જ નથી.

નરસિંહ શું હતો કવિ ,ભક્ત ,સંત ,અવધુત કે ક્રાંતિકારી ?

નરસીંહ વિષે થોડાં ઘણા ભજન જેવા કાવ્યો ગણગણીને આપણે કહીએ કે આ નરસિંહ મહેતાનુ છે અને આ પ્રભાતિયું પણ નરસિંહ મહેતાનું છે.બહું ઓછું જાણીએ છીએ આપણે નહરસિંહ વિષે એવું મને લાગ્યું જ્યારે મેં શ્રી જવાહર બક્ષીનું નરસિંહ વિષે વક્તવ્ય સાંભળ્યું. મારા એક મિત્રે મને સી.ડી આપી હતી, જે જુનાગઢના શ્રી નરસિંહ વિષેના એક કાર્યક્રમમાં જવાહર બક્ષીએ આપેલા વકતવ્યની હતી. પુરા દોઢ કલાકના તેમના વક્તવ્યથી હું એટલો બધો પ્રભાવીત થયો છું ! મને લાગ્યું કે એક ચંદ્રકાંતબક્ષી અને બીજા જવાહર બક્ષી, એક લેખક અને બીજા કવિ, આ બે બક્ષીઓએ મારા ઉપર વિદ્વત્તાની ઉંડી છાપ છોડી છે.

ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

બહુ જ ગહન વાતોને સાદી સરળ શૈલીમાં આ સંત કહી ગયો છે, ભક્ત કહો કે સંત કહો, પણ અવધુત અને યોગીથીયે ચડે તેવી વાતો નરસિંહ ગુજરાતીમાં પદ્ય રુપે કહી ગયો છે. ૬૦૦ વર્ષ પહેલાં નરસિંહનો જન્મ થયો હશે (૧૪૦૪ થી ૧૪૧૪ સુધીના સમયની અટકળ છે. ) ૧૪૮૦ માં મૃત્યું થયું હશે એવી અટકળ છે. ૧૬૧૨ માં પહેલી હસ્તપ્રત મળી. નરસિંહ રચિત હારમાળાના પ્રસંગમાં સમયનો એક આધાર મળે છે, સં.૧૫૧૨ માગસર સુદ-૭ ( ઇ.સ. ૧૪૫૫ ) ભાષા શાસ્ત્રીઓએ તો વિવાદ છેડ્યો હતો કે નરસિંહના આ બધા પદો જે ભાષામાં છે તે ભાષા ૬૦૦ વર્ષ પહેલાં હતી જ નહી, અને આ પદો નરસિંહના બનાવેલા નથી. જવાહર બક્ષીએ પોતાના વક્તવ્યમાં ’ડાયસ’ ઉપર ઠોકી ઠોકીને કહ્યું કે આ વિવાદનો અંત આવવો જોઇએ. ૧૧ મી સદીમાં એ વખતે ભારત ભરમાં ૨૭ અપભ્રંશો બોલાતા હતાં જે પ્રાકૃતમાંથી ઉદ્ભવેલા હતાં, તેમાંનું એક “લાટ” અપભ્રંશ સુરતથી રત્નાગિરી સુધીના વિસ્તારમાં બોલાતું. અમદાવાદ તરફ ગુર્જર અપભ્રંશ બોલાતું અને સૌરાષ્ટ્રમાં નાગર અપભ્રંશ બોલાતું, રાજા ભોજનાં કંઠાભરણમાં આની સાબિતી મળે છે. જવાહર બક્ષીએ કહ્યું આ વિવાદનો અંત આવવો જોઇએ અને આ બધા પદો નાગર અપભ્રંશમાં રચેલા નરસિંહના જ છે.

નરસિંહે હરિજન વાસમાં જઇ અને ભજનો ગાયા આ તેની ક્રાંતિ છે. આજ થી ૬૦૦ વર્ષ પહેલા આ જણે રાજદંડ અને નાગર જ્ઞાતિની પણ પરવા કરી નહિં.નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા.

ગુજરાતી ભાષાનું સૌથી પહેલું આખ્યાન-કાવ્ય જો હોય તો તે છે નરસિંહનું ’સુદામા ચરિત’. નરસિંહ રચિત કુલ ૮૦૭ પદો છે. gopi૬૫-જ્ઞાનના, ૯-સુદામા ચરિત, ૪-ઝારીના પદો, ૧૦૨-આત્મ ચરિતના ( શામળશાનો વિવાહ, કુંવર બાઇનું મામેરુ, હારમાળાનો અને હુંડીનો પ્રસંગ ) કુલ થયા ૧૮૦ અને ૬૨૭ પદો કૃષ્ણલીલાના છે. આ કુલ ૮૦૭ પદો દાવા સાથે કહી શકાય કે નરસિંહના જ રચેલા છે.

રહસ્ય વાદ અને જ્ઞાનના પદો :

જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા- આ પદમાં જવાહર બક્ષી કહે છે ૩૬૦ ત્રણસો સાંઇઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળીયો કોણ થાશે. ત્રણસો સાંઇઠ જ કેમ ? પાંચ પચીસ કે ચારસો કેમ નહિ ? સાહેબ નરસિંહ ૧૨ મહિનાના ૩૦ દિવસ લેખે ૩૬૦ દિવસની વાત કરે છે. વડો રે ગોવાળીયો… નરસિંહ માંહ્યલાને જગાડવાની વાત કરી રહ્યો છે. ૩૬૦ દિવસોની માયાની જંજાળ માંથી એવો ક્યો દિવસ આવશે ?

જળ કમળ છાંડીજા ને બાળા – આ પ્રભાતિયામાં નરસિંહ કુડલિની જાગરણની વાત કરે છે. આપણે ત્યાં કુંડલીની જાગરણના બે માર્ગ છે એક ચક્ર માર્ગ અને બીજો કમળ માર્ગ. આપણા સાહિત્યકારો જળ શબ્દ સમજી શક્યા પણ કમળ શબ્દનું અર્થઘટન ન કરી શક્યા ! ચક્રને છેદવાનું હોય છે અને કમળને છાંડવાનું હોય છે. નરસિંહે એમ શા માટે ન કહ્યું કે ’જળ ગહન છાંડીજા ને બાળા’ ? આ પદોમાં મુલાધાર ચક્ર, નાભિ ચક્ર અને સહસ્ત્રાધાર ચક્રોની ગહન વાતો કરી છે. કાળીનાગ એ તો રુપક છે. ’કહે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ’ બક્ષી સાહેબ કહે છે, સ્વાધિષ્ઠાન ચક્ર સુધી પહોંચ્યા પછી સાધકની અવસ્થા સંભ્રમમાં મુકાય છે, આ અવસ્થાની વાત નરસિંહ કરે છે. પદના શરુઆતમાં નાગણોનો સ્વામિ કાળીનાગ છે ’ બેઉં બળીયા, બાથે વળગીયા’ અને પદના અંતે જ્યારે કૃષ્ણ કાળીનાગને નાથી લે છે. એ પછી નાગણોનો સ્વામિ છેલ્લા પદમાં બદલાઇને કૃષ્ણ થઇ જાય છે. “બે કર જોડી વિનવે, સ્વામિ મુકો અમારા કંથને !” બક્ષીજી કહે છે, આ સ્વામિ બદલાઇ જવાની નરસિંહની આ વાતને આજ સુધી આપણા સાહિત્યકરો કેમ સમજી નથી શક્યા ? કાળી નાગને નાગણો જ્યારે જગાડે છે ત્યારે સો સો નાગના ફણાનો ફુંફાડો સંભળાય છે, મેઘ જેવી ગર્જનાઓ સંભળાય છે આકાશમાં વીજળીઓના કડકડાટ, આ બધું સહાસ્ત્રાધાર ચક્ર ખુલી ગયા પછી યોગીઓ જે અનુભવનું વર્ણન કરે છે તે છે. એમ તો નરસિંહે પણ એક જગ્યાએ કીધું છે કે “મોરલીના નાદમાં, શ્રવણના સ્વાદમાં, ઝાંઝરી, ઝાલરી ઝમક વાગે, તાલ મૃદંગને ભેરી શરણાઇમાં બ્રહ્મનાદે“-વાહ નરસિંહ વાહ શું શબ્દોની જાહોજલાલી છે ?

“નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો, તેજ હું તેજ હું શબ્દ બોલે “ અને ” જાગીને જોઉં તો જગત દિશે નહિં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે” – –”હું કરે, તું કરું, હું વિના તું નહિં, હું રહીશ ત્યાં લગી તું રહેશે, હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે“ અજાતવાદની આ ફિલોસોફી છે ને અદભુત ? -” પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપણ્યા, અણું અણું માહી રે રહ્યા વળગી, બિજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બિજ તું“ એમનું પારદર્શિ દર્શન તો જુઓ ? આ જણ કવિ નહિં આતો અવધુત અને પૂર્વ-જન્મનો કોઇ યોગી હશે. ” વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ નોયે, ઘાટ ઘડ્યાં પછી નામ રુપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે.”-શંકરાચાર્યનો અદ્વૈત વાદ બહુ સરળતાથી નરસિંહ જ કહી શકે .” જીવને શીવ તો, આપ ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા“…અધ્યાત્મમાં શું બાકી છોડ્યું છે આ અવધુતે ?

હવે થોડા શૃંગાર પદો

જે આપણા સાહિત્યથી થોડા અળગા રખાયા છે બહુ ઓછા લોકોને માણવા મળ્યા છે. આ પદોમાંય આધ્યાત્મિક રહસ્યો એટલા જ ભરપુર છે. નરસિંહને એક વાર તરસ લાગી હોય છે અને અચાનક એક સ્ત્રી પાણી પીવડાવા આવી ચડે છે. નરસિંહને એવો ભાસ થાય છે કે જાણે કૃષ્ણ સાક્ષાત મોહિની રુપે પ્રગટ થયા. આ પદ ઝારીનું પદ છે.

આ જોને કોઇ ઉભી આળસ મોડે, ગોરી તારે રાજુડે રે મોહ્યાં મોહ્યાં મુનિવર રાયા / રુપ સ્વરુપ ભર્યું નવ જાયે, કોઇ દિશે છે ઇશ્વરી માયા / આ ગજવો તમે ક્યાં સીવડાવ્યો ? શણગટ વાળ્યો શું ધારી રે ? આંખલડી જાણે પાંખલડી….

નરસિંહને ખબર હતી કે આ શૃંગાર પદો લોકો સ્વિકારી નહિં શકે ! રાજદંડ પણ મળી શકે . એટલે પહેલા જ તે ચાતુરીના પદોમાં તેની ભૂમિકા બાંધી દે છે.

મન, વચન, કર્મ, સાધન ચાતુરી, અગમ અગોચર જેહ છે / બ્રહ્મ વાદ નીર્બોધ છે, તેહને સમજશે કોણ પછે ? / એવું નૌતમ યૌવન, શ્રી વૃંદાવન શોભા જેની વર્ણે ના સમાય / સંસારના સન્મુખે કહું તો સ્તુતિ ટળી નિંદા થાય.

નરસિંહ કહે છે જો નિર્ગુણ નિરાકારની વાત સિધેસિધી કરીશ તો અબુધ લોકો કઇં નહિં સમજે, અને જો રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઇને કરીશ લોકો મને લટકાવી દેશે. આ નરસિંહને ખબર હતી. થોડાક શૃંગાર પદો માણવા જેવા છે.

નાચતા નાચતા , નયન નૈણા મળ્યા /મદ ભર્યા નાથને બાથ ભરતા / ઝમકને ઝાંઝરે તાળી દે તાળુડી / કામિની કૃષ્ણ શું કેલી કરતાં.

જાગો રે જશોદાના જીવણ વ્હાંણલા વાયા / તમારા ઓશીકે મારા ચીર રે ચંપયા / પાસું મરડો તો વ્હાલા ચીર લઉં તાણી / સરખી સમાણી થઇ પાસ જાઉં રે પાણી.

પ્રાત: થયું, પ્રાણ પતિ, ઇન્દુ ગયો આથમી / કાં રહ્યો બાવડી કંઠ ઘાલી – દરેક જગ્યાએ પહેલા શૄંગાર રચીને નરસિંહ પછી આધ્યાત્મિક સાર આપે છે.

લલીત હતી સુંદરી, લલીત આલાપથી / દધી મંથન ઘોષ ઘેર થાયે /કમળ વિકસી રહ્યાં, મધુપ ઉડી ગયાં / કુટ કુટા બોલે, પિયુ પાય લાગું / રવિ રે ઉગતા, લાજીને ઘર જતાં, નરસૈયાચા સ્વામિ માન માંગુ.

પાછલી રાતના નાથ પાછા વળ્યાં, શું કરું હે સખી હું ન જાગી ? / નીરખતા નીરખતા નિંદ્રા આવી ગઇ / વાલોજી જઇ, ગયા વાત રાખી / કૃષ્ણજી ક્યાં હશે ? શૌક્ય સુણશે હવે / પ્રથમ જઇ એને પાય લાગું / સરળ છે શામળો મેલશે આમળો / જઈ ને વાલા કને માન માંગુ – ત્યારે સખી કહે છે

ઉઠ આળસ તજી, નાથ નથી ગયા હજી / દ્વાર ઉભા હરી હેત જોવા. – સખી કહે છે ગાંડી નાથ તો તારા પ્રેમની પરીક્ષા કરે છે. એને જ તને ઉંઘાડિ અને એને જ તને ઝબકીને જગાડી છે. અદ્ભુત.. અદભુત.

Thanks to–( દિનકર ભટ્ટ )

જાણવા જવી વાત .
તાના અને રીરી નરસિંહ મહેતા સાથે આ રીતે સંકળાયેલી હતી તે આજે જ જાણ્યું.

ભકત કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી, કે જેના નામ પર રચાયેલુ શર્મિષ્ઠા તળાવ આજે પણ જોવાં મળે છે. શર્મિષ્ઠાને ઘરે બે દિકરીઓ નો જન્મ થયો. જેઓને તાના અને રીરી નામ અપાયાં. જાણે કે સ્વયં રાધાકૃષ્ણએ સાંદર્યમાં અપ્સરા સમી અને સંગીતનૃત્યમાં ગાંધર્વ સમી આ બે કન્યાઓ વરદાન રૂપે આપી. તાના-રીરીએ સંગીતની આકરી આરાધના કરીને રાગ-રાગિણીઓનો ભક્તિભાવથી સાક્ષાત્કાર કર્યો. બંને બહેનોએ ભૈરવ, વસંત, દીપક, અને મલ્હાર જેવા રાગોને આત્મસાત કર્યાં હતાં. તે સમયે અકબરનાં દરબારના નવ રત્નોમાંના એક સંગીતસમ્રાટ તાનસેનને અકબરે દીપક રાગ ગાવા માટે કહ્યું હોય એમ મનાય છે કે દીપક રાગ ગાવાથી દીવા પ્રગટે છે, પરંતુ સાથે સાથે આ રાગ ગાનારના શરીરમાં દાહ ઉપડે છે. તાનસેને બાદશાહની આજ્ઞાથી દીપક રાગ ગાયો, દીપક પ્રગટ્યા,પરંતુ તેના શરીરમાં અંગારા સળગાવ્યાં હોય એવી ઝાળ ઉઠી. તાનસેનના શરીરમાં લાગેલી આ અગનઝાળને શાંત કરવાનો એકમાત્ર ઉપાય એટલે મલ્હાર રાગ. આ રાગ ગાનાર ની શોધમાં નીકળેલો તાનસેન ફરતો ફરતો વડનગર આવી પંહોચ્યો અને શર્મિષ્ઠા તળાવને કિનારે મુકામ કર્યો.

સાભાર – તાના-રીરી સમાધિ (અમદાવાદ થી એક મિત્ર એ મોક્લેલા લેખ પર થી)

Posted in વીણેલાં મોતી, સાહિત્યસરિતા

Advertisements

4 Responses

  1. it is great to read narsinh mehtas story.

  2. ભૂતળ..ભક્તિ પદારથ !
    ભલું થયું ને ભાંગી ઝંઝાળ ! આવું તો નરસિંહ મહેતા જ કહી શકે.

  3. Very nice Gujarat na aadyakavi narsinh maheta vise vanchi khub khub maja aavi

  4. Best article..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: