રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી

છંદ ગીતાં ને  સોરઠા , સોરઠ સરવાણી;
એટલા રોયાં રાતે આસુંએ, આજ મારતા મેઘાણી ….

જે મિત્રો આપણાં લાડીલા કવિ શ્રી મેઘાણી ભાઈની પુણ્યતિથિ .. તો એમને યાદ કર્યાં વગર કેમ રહેવાય ..  ૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

મેઘાણીનું નામ પડે એટલે સૌરાષ્ટ્રના પાણે પાણે અને ઝાડવે ઝાડવે છુપાયેલા રસાળ લોકસાહિત્ય અને શૌર્યસભર ઈતિહાસની અનેક કથા, ગાથા અને કવિતા યાદ આવી જાય.

કાકા કાલેલકરે ઝવેરચંદ મેઘાણી વિષે  કહું હતું કે .. મેઘાણી જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા  કરત ..

ઘણું જીવવાનો એમનો અધિકાર હતો….

શ્રી મેઘાણી ગુજરાતનું અમુલ્ય રત્ન હતા ..લોકો એને સાભળીને ગાંડા થતા ..

એ જીવ્યા હોત તો ગુજરાતની ઢંકાઈ ગયેલી સંસ્કૃતિ ને વધુ બહાર લાવ્યા હોત..

મનુભાઈ પંચોલી એ કહું હતું કે ગાંધી  બાપુ  શબ્દો તોળી ને બોલતા .અને  બાપુનો દાવો હતો કે એક શબ્દ પણ મારા મોઢે અજાગ્રતપણે નીકળશે નહિ ..એમણે મેઘાણી ને  રાષ્ટ્રીય શાયર કહ્યા હતા એનો શો અર્થ ?..

સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે..તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે..



૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો ! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!
આજે માણીયે તેમની કલમે નીતરેલું આ શૌર્યગીત.

સાવજ ગરજે!
ગીરકાંઠાનો   રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી  ગરજે
ઐરાવત્કુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
નાનો એવો સમદર  ગરજે

ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના જાળામાં   ગરજે

કણબીના ખેતરમાં   ગરજે
ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં  ગરજે’
ગિરિઓની ગોહરમાં   ગરજે

ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને   આઘેરો    ગરજે

થર થર કાંપે!
વાડામાં વાછરડા     કાંપે
કૂબામાં બાલળકડાં    કાંપે

મધરાતે પંખીડાં     કાંપે
ઝાડ તણાં પાંદડલાં  કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને  જાગતાં     કાંપે
જડ ને ચેતન  સૌ એ કાંપે

આંખ ઝ્બૂકે!
કેવી એની આંખ ઝ્બૂકે!

વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ   ઝબૂકે

જાણે બે અંગાર   ઝબૂકે
હીરાના શણગાર  ઝબૂકે

જેગંદરની ઝાળ   ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત     ઝબૂકે

જડબાં ફાટે!
ડુગર જાણે ડાચા  ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે
પૃથ્વીનું પાતળ ઉઘાડે

બરછે સરખા દાંત     બતાવે
લસલસ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે!
બડકંદર બિરાદર  ઊઠે

ફરસી લેતો ચારણ   ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી    ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી  ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો    ઊઠે

મૂછે વળ    દેનારા ઊઠે
ખોખારો    ખાનારા  ઊઠે

માનું દૂધ પીનારા  ઊઠે!
જાણે આભ મિનારા ઊઠે!

ઊભો રે’જે!
ત્રાદ પડી કે ઊભો રે’જે!

ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા  ઊભો રે’જે!

પેટભરા! તુ ઊભો રે’જે!
ભૂખમરા તું   ઊભો રે’જે!

ચોર-લૂટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચરણ -કન્યા
ચૌદ વરસની ચારણ -કન્યા

ચૂંદડિયાળી   ચારણ -કન્યા
શ્વેતસુંવાળી  ચારણ -કન્યા

બાળી ભોળી  ચારણ -કન્યા
લાલ હિંગોળી ચારણ -કન્યા

ઝાડ ચડંતી  ચારણ -કન્યા
પહાડ ઘૂમંતી ચારણ -કન્યા

જોબનવંતી   ચારણ -કન્યા
આગ-ઝરંતી ચારણ -કન્યા

નેસ-નિવાસી ચારણ -કન્યા
જગદમ્બા-શી ચારણ -કન્યા

ડાંગ ઉઠાવે   ચારણ -કન્યા
ત્રાડ ગજવે   ચારણ -કન્યા

હાથ હિલોળી ચારણ -કન્યા
પાછળ દોદી ચારણ -કન્યા

ભયથી ભાગ્યો!
સિહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને      કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો  ભાગ્યો
હાથીનો હણનારો  ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી  છોડીથી   ભાગ્યો!

..
(ઉપરોક્ત લખાણ  સંદેશ માં આવેલા એક ખાસ લેખમાંથી લેવામાં આવ્યું છે -  લેખક: લલિત ખંભાયતા)

પદ્મશ્રી દુલા ભાયા કાગ

મિત્રો
આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ( અવસાન – 22-2-1977) ત્યારે દુલા ભાયા કાગ !તમે કેમ યાદ ના આવો ?

કવિશ્રી દુલા ભાયા કાગ -”કાગબાપુ”-અમે તમારાં ભજનો ગાઈને તમને યાદ કરીએ છીએ. !હૈયાનાં ઉંડાણોમાંનો આ અતિથિ સત્કારનો સાદ ઝીલવાની અને સાચવીને ઉપયોગમાં લેવાની શક્તિ અને બુદ્ધિ પરમ કૃપાળુ પરમેશ્વર સૌને અર્પે!એ એમને માટે સાચી અંજલિ બનશે

કવિ કાગની પુણ્યતિથી છે. તેમને આપણી શ્રદ્ધાંજલી. માણીયે તેમનું આ ગીત.

 


તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
આવકારો મીઠો….આપજે રે …. જી….
તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
બને તો થોડું……કાપજે રે…. જી…..

માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસો દેખીને દુઃખિયાં આવે રે….
આવકારો મીઠો….આપજે રે ….જી….

કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે…..જી…

વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે….જી….

પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
આવકારો મીઠો…. આપજે રે….જી….

મિત્રો વધુ  વિગત  દુલા ભાયા કાગ  વિષે….કસુંબલ ગીતોનો વૈભવ:http://wp.me/PGcya-3p.

ગાંધી બાપુ

 

મિત્રો ,
દુલા ભાયા ‘કાગ’ ની એક સુંદર રચના આજે બાપુ ની પુણ્યતિથી એ લાવી છું ..જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ…

 

ગાંધીડો મારો – દુલા ભાયા ‘કાગ’

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

ડગલે ડગલે હાલ્યા કરે ઈ
ઊંચાણમાં ન ઊભનારો

એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો
મેલાંઘેલાંને માનનારો

એ ઉપર ઊજળાં ને મનનાં મેલા એવાં
ધોળાને નહિ ધીરનારો મોભીડો મારો
ધોળાને નહિ ધીરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

એના કાંતેલામાં ફોદો ન ઊમટે
તાર સદા એકતારો

એ દેહે દુબળિયો ને ગેબી ગામડિયો
મુત્સદીને મૂંઝવનારો મોભીડો મારો
મુત્સદીને મૂંઝવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

પગલાં માંડશે એવે મારગડે
આડો ન કોઈ આવનારો

એ ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઈ તો
બોલીને નહિ બગાડનારો મોભીડો મારો
બોલીને નહિ બગાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

નાનાં બાળક જેવો હૈયે લેરીલો
એરુમાં આથડનારો

એ કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઈ
કાળને નોતરનારો મોભીડો મારો
કાળને નોતરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઝીણી છાબડીએ ઝીણી આંખડીએ
ઝીણી નજરુંથી જોનારો

એ પોતે ચણેલામાં પોલ ભાળે તો તો
પાયામાંથી જ પાડનારો મોભીડો મારો
પાયામાંથી જ પાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આવવું હોય તો કાચે તાંતણે
બંધાઈને આવનારો

એ ના’વવું હોય ને નાડે જો બાંધશો તો
નાડાં તોડાવી નાસનારો મોભીડો મારો
નાડાં તોડાવી નાસનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

રૂડો રૂપાળો થાળ ભરીને
પીરસે પીરસનારો

એ અજીરણ થાય એવો આહાર કરે નૈ
જરૂર એટલું જ જમનારો મોભીડો મારો
જરૂર એટલું જ જમનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં
એક ઘડી ન ઊભનારો

એ અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં
વણ તેડાવ્યે જાનારો મોભીડો મારો
વણ તેડાવ્યે જાનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

સૌને માથે દુખડા પડે છે
દુખડાંને ડરાવનારો

એ દુખને માથે પડ્યો દુખ દબવીને એ તો
સોડ તાણીને સૂનારો મોભીડો મારો
સોડ તાણીને સૂનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

કાળ જેવાને મહાકાળ લાગે છે
આભને બાથ ભીડનારો

એ સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો
ડુંગરાને ડોલાવનારો મોભીડો મારો
ડુંગરાને ડોલાવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઓળખજે બેનડી એ જ એંધાણીએ
એ મારા ખોળાનો ખૂંદનારો

એ મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

આ ગીત સાંભળવું હોય તો …

ટહુકો માં

http://tahuko.com/?p=10607

 

શુભ દિપાવલી અને સાલ મુબારક

કસુંબલ ગીતોનો વૈભવ…. ઝવેરચંદ મેઘાણી અને હેમુભાઈ ગઢવીને અર્પણ

પ્રિય મિત્રો, નમસ્તે!

ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.

લોકસંગીત
એટલે શબ્દો અને સંગીત દ્વારા હ્દયમાથી પ્રકટેલી અનુભૂતિ…. દરેક પ્રકાર ની લાગણી ઓ જ્યારે શબ્દો માં ઢળે છે અને એ શબ્દો નો સમન્વય જ્યારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે …લોક સંગીત……….લોક સંગીતમાં દરેક પ્રકાર ની લાગણી ઓ નાં સૂર સમાયેલ છે… જીવન નાં સુખ દુઃખ,… ,..મિલન જુદાઈ,…પ્રેમ નારાજગી… આશા નિરાશા … આવા અર્થ પુર્ણ ગીતો લોકગીતમાં જોવા મળે છે ..લોક સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણા દિલ ને સ્પર્શી જાય છે. શબ્દો ને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીત નાં શબ્દો ની ગહેરાઇ ઉંડી ઉતરી હ્દય સુઘી પહોચી જાય છે,! …..ગુજરાતી લોક સંગીતમાં જે અભિવ્યક્તી છે તે દુનિયાનાં બહુ જૂજ સંગીતમાં જોવા મળે છે.…ચાલો માણીયે લોકગીત ,સંગીત., આવતી પેઠી એને વીસરી ન જાય માટે એને વગાડતા રહીયે .

મારા બ્લોગને જાણી અને માણી શકો. એ માટે આપના અભિપ્રાયો ,આપની ટિપ્પણીઓ સહર્ષ આવકાર્ય છે.

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ

-ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

Follow

Get every new post delivered to your Inbox.